રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની નવી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત બાદ દર્દીઓની સુવિધામાં મોટો વધારો થયો છે. સિવિલ કેમ્પસમાં કોવિડ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગ વચ્ચે અંદાજિત એક કિલોમીટર જેટલા લાંબા અંતરને કારણે હજારો દર્દીઓ, તેમના સગાંઓ, તબીબો અને સ્ટાફગણને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના કાયમી નિવારણ માટે નર્સિંગ એસોસિએશનના અગ્રણી ઈકબાલ કડીવાલાએ સુરતના ઉદ્યોગપતિ કે.પી. ગ્રુપના ફારુકભાઈ પટેલ સાથે સંકલન કરીને કે.પી. ગ્રુપ દ્વારા નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ-સ્ટાફ માટે નવી ૩ ગોલ્ફકાર અર્પણ કરીને દર્દીનારાયણની સેવામાં સમર્પિત કરવામાં આવી હતી. આ અગાઉ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે પણ બે ગોલ્ફ ગાડીઓ નવી સિવિલને અર્પણ કરવામાં આવી હતી, જેમાં હવે વધુ ત્રણ ગાડીઓનો ઉમેરો થયો છે. કે.પી. ગ્રુપના ફારૂકભાઈ પટેલ દ્વારા અપાયેલ ગોલ્ફકારનું ડો.પારૂલ વડગામા. ડો.લક્ષ્મણ તહેલાણી, નર્સિંગ અગ્રણીની ઈકબાલ કડીવાલાના હસ્તે ત્રણ નવી ગોલ્ફકારનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં સમર્પિત કરવામાં આવી હતી. આ નવી ગાડીઓમાં ૮-સીટરની બે ગોલ્ફકાર અને એક ૬-સીટર ગોલ્ફકાર દર્દીઓની સેવામાં સમર્પિત કરાઈ હતી. આ સુવિધા શરૂ થવાથી સિવિલ કેમ્પસમાં ચાલી રહેલા નવી બિલ્ડિંગના નિર્માણ કાર્યને કારણે સર્જાતી અડચણો તેમજ ટ્રાફિકની સમસ્યા મહદઅંશે દૂર થશે અને હજારો દર્દીઓની અવરજવર સરળ બનશે. દર્દીઓ અને સ્ટાફગણની સુવિધા માટે આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. સુરતનું કે.પી. ગ્રુપ નવી સિવિલ હોસ્પિટલના આવા જનહિતના સેવા કાર્યો માટે હંમેશા તત્પર રહે છે.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.પારૂલ વડગામા, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના અગ્રણી ઈકબાલ કડીવાલા તેમજ મેડિકલ ઓફિસરો ડો. લક્ષ્મણ તહેલાણી ડો. નિશા ચંદ્રા અને ડો. ભરત ચાવડા, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ નિરઝા પટેલ, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા સહિતના હોદ્દેદારો, વિવિધ વિભાગના તબીબો, એચઓડી, યુનિટ હેડ, મેડિકલ ઓફિસરો, નર્સિંગ એસોની ટીમ અને સિક્યોરિટી ઓફિસરોએ ઉપસ્થિત રહીને સેવાકાર્યને બિરદાવ્યું હતું.

