Gujarati

સાંસદના સંબોધનની પ્રણાલી પર પૂર્ણવિરામ વચ્ચે…દાદરા નગર હવેલીના 73 માં મુક્તિ દિવસની ઉજવણી થઈ : કલેક્ટર પ્રિયંક કિશોરના હસ્તે ધ્વજવંદન કરાયું

Written by krishnanewsnetwork

▪️કાર્યક્રમમાં સાંસદ ઉપસ્થિત હોવા છતાં તેમને મહત્વ અપાતું ન હોય, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો ફક્ત શોભા વધારવાજ હાજર રાખવામાં આવતા હોય તે ચિંતાજનક છે.
▪️સાંસદના સંબોધનની પરંપરા હવે સંપૂર્ણપણે મુક્ત કરી દેવામાં આવી હોવાનું હવે સ્થાનિક લોકોએ માની લીધું છે.
▪️જનપ્રતિનિધિઓ પ્રત્યેની પ્રશાસનની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં નારાજગી સ્પષ્ટ જોવા મળી હતી.                         દાદરા અને નગર હવેલીએ પોતાની આઝાદી અને મુક્તિના 73 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક અને ગૌરવવંતા દિવસે કલેક્ટર પ્રિયંક કિશોરે ધ્વજવંદન કરી, નમો મેડીકલ કોલેજ અને શિક્ષણની સિદ્ધિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે સાંસદ કલાબેન ડેલકર, જિલ્લા પંચાયત અધ્યક્ષા નિશા ભાવર, નગરપાલિકા પ્રમુખ સોમનાથ દેવરે સહિત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, અધિકારીગણ, માજી સાંસદો , રાજકીય પક્ષોના હોદ્દેદારો,સામાજિક અગ્રણીઓ અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
*​પરંપરાગત પ્રણાલી બંધ થતા સ્થાનિક પ્રજામાં નારાજગી*
મુક્તિ દિવસની ઉજવણીના ​સરકારી કાર્યક્રમમાં સાંસદના સંબોધનની વર્ષો જૂની ગૌરવવંતી પરંપરા ચાલી આવતી હતી. પરંતુ, દુઃખની વાત એ છે કે છેલ્લા ૫-૬ વર્ષથી આ પરંપરા પર પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે. અગાઉ પ્રજાના પ્રતિનિધિ તરીકે સાંસદને પ્રજાજોગ સંદેશો આપવાનો અવસર મળતો હતો. જેને સાંભળવા ખૂબ મોટી સંખ્યામાં પ્રદેશના નાગરિકો ઉપસ્થિત રહેતા હતા. પરંતુ મુક્તિ દિવસે પ્રવચનથી વંચિત હોય,લોકોની પાંખી હાજરી અને ઘટેલો ઉત્સાહ એનું જીવંત ઉદાહરણ હતું. આજના કાર્યક્રમમાં સાંસદ ઉપસ્થિત હોવા છતાં તેમને મહત્વ અપાતું ન હોય, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો ફક્ત શોભા વધારવાજ હાજર રાખવામાં આવતા હોય તે ચિંતાજનક છે.
અગાઉના વર્ષોમાં દાદરા અને નગર હવેલીમાં મુક્તિ દિવસ એટલે એક પર્વ, એક ઉત્સવ જેવો માહોલ રહેતો હતો. જ્યાં ખૂણે-ખૂણેથી લોકો સ્વયંભૂ ઉમટી પડતા હતા. પરંતુ આજે તેવો ઉત્સાહ, તેવો ઉમંગ અને પહેલે જેવો માહોલ હવે જોવા મળતો નથી. પ્રશાસને પ્રજાની આ દબાયેલી લાગણીઓ અને ગંભીર નારાજગીને વહેલી તકે સમજવી ખૂબ જ અનિવાર્ય છે.
*​વિકાસની વાતો વચ્ચે ઘટતો વિશ્વાસ*
​આજકાલ સરકારી મંચો પરથી વિકાસના દાવાઓ તો ખૂબ કરવામાં આવે છે અને થવા પણ જોઈએ,પરંતુ જનતા સાથેના ‘વિશ્વાસ’ની વાતો પાછળ રહી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદેશના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને જનહિતની યોજનાઓના અમલીકરણમાં સ્થાનિક જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાતા હોવાની પ્રતીતિ પ્રજાને થઈ રહી છે. લોકભાગીદારી અને લોકશાહી મૂલ્યોના ભોગે ચાલતી આ વ્યવસ્થા આવનારા સમયમાં પ્રદેશના હિતમાં નથી. ​પ્રશાસન દ્વારા જનતા અને જનપ્રતિનિધિઓને સાથે રાખીને, તેમની ભાવનાઓનો આદર કરીને જ વિકાસની રૂપરેખા તૈયાર કરવામાં આવે તેવી પ્રદેશવાસીઓ અપેક્ષા રાખી રહ્યા છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment