સરીગામના વેપારીને ચેક બાઉન્સ કેસમાં ₹10 લાખનો દંડ: નાસિક કોર્ટનો ચુકાદો
નાસિક:
નાસિકની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક ચુકાદો આપતાં, ગુજરાતના વલસાડ જિલ્લાના સરીગામના વેપારી દીપક લખમાજી મિસ્ત્રીને દોષિત ઠેરવી ₹10,00,000 (રૂપિયા દસ લાખ) નો દંડ ફટકાર્યો છે.
શું હતો સમગ્ર કેસ?
નાસિકના ગંગાપુર રોડ વિસ્તારમાં રહેતાં ફરિયાદી સોનલ અજિંક્ય સિરામે આરોપી દીપક મિસ્ત્રીને ₹5,00,000 ની રકમ હાથઉછીની આપી હતી. આ દેવાની ભરપાઈ માટે દીપક મિસ્ત્રીએ બેંક ઓફ બરોડા, સરીગામ શાખાનો ₹5 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાની નાસિક સ્થિત ICICI બેંકમાં જમા કરાવતાં તે ખાતામાં અપૂરતા ભંડોળને કારણે પાછો ફર્યો હતો. કાનૂની નોટિસ આપવા છતાં નિયત સમયમાં રકમ ન ચૂકવાતાં ફરિયાદીએ નાસિક કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
કેસ વિલંબિત કરવાનો પ્રયાસ અને આરોપીની ગેરહાજરી:
સુનાવણી દરમિયાન આરોપી અદાલતમાં સતત ગેરહાજર રહ્યો હતો અને વારંવાર મુદત અરજીઓ કરીને કેસ લંબાવવાનો પ્રયાસ કર્યો હતો. અદાલતે નોંધ્યું કે આરોપી કાર્યવાહી ટાળી રહ્યો છે, જેથી સીઆરપીસીની જોગવાઈઓ હેઠળ આરોપીની ગેરહાજરીમાં જ દોષસિદ્ધિનો આદેશ આપવો યોગ્ય રહેશે.
₹7.72 લાખ ફરિયાદીને વળતર ચૂકવવા આદેશ:
ન્યાયાધીશ શ્રી એસ. એમ. બોહરાએ આરોપી દીપક મિસ્ત્રીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી ₹10 લાખનો દંડ કર્યો હતો અને દંડ ન ચૂકવે તો 3 મહિનાની સાદી કેદની સજા સંભળાવી હતી. અદાલતે વસૂલવામાં આવનાર દંડની રકમમાંથી ₹7,72,500 (મૂળ રકમ પર વાર્ષિક 9% વ્યાજ અને કોર્ટ ખર્ચ સહિત) ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોપીની ધરપકડ સુનિશ્ચિત કરવા કોર્ટે કન્વિક્શન વોરંટ પણ જારી કર્યું છે.
ફરીયાદી સોનલબેન જેઓ ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નિરવ શાહ ના સગા બહેન છે જેઓ ના લગ્ન નાસિક મહારાષ્ટ્ર થયેલા છે.

