વલસાડ જિલ્લામાં હાલના ચોમાસામાં ભારે વરસાદથી લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા તેમજ રાજ્યમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસ રોગચાળાથી સુરક્ષિત રહેવા લોકજાગૃતિ માટે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અનસુયા ઝા જિલ્લાના દરેક ગામોના લોકો સાથે સીધા સંપર્કનો અભિગમ અપનાવી દરેક તાલુકાના TDO, સરપંચો તેમજ તલાટી કમ મંત્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સથી જોડાયા હતા.
વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરે ભારે વરસાદના કારણે આમ જનતાને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સાવચેતીના પગલા લેવા માર્ગદર્શન આપ્યું હતું. કોઈપણ ઘટના બને તો તરત જ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરવા જણાવ્યું હતું. કંટ્રોલ રૂમના નંબરોની યાદી પણ આપી હતી. ભારે વરસાદના સમયે નદી, નાળા, કોઝ વે અનેચેક ડેમ ઉપરથી પસાર ન થવા જણાવાયું હતું. કલેક્ટરે ભારે વરસાદના કારણે થયેલ નુકશાની માટે સંબંધિત કચેરી દ્વારા તાકીદે સર્વે કરાવી જે-તે કચેરીને સહાયની ચુકવણી માટે વિના વિલંબે ચુકવણી કરવા અધિકારીઓને સુચના આપી હતી.
વધુમાં સરકારશ્રી તરફથી મહેસુલ વિભાગના તા.૧૦/૧૦/૨૦૨૩ ના ઠરાવ અન્વયે કુદરતી આપત્તિઓના કારણે થયેલ માનવ મૃત્યુના કિસ્સામાં રૂ.૪,૦૦,૦૦૦/- મળવાપાત્ર છે. તેમજ મકાન સહાયના કિસ્સાઓમાં અંશત: નુકશાન પામેલા પાકા મકાન માટે રૂ.૬,૫૦૦/- તથા કાચા મકાન માટે રૂ.૪,૦૦૦/- સહાય મળવાપાત્ર છે. તેમજ સંપૂર્ણ નુકશાન પામેલા પાકા મકાન માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા કાચા મકાન માટે રૂ. ૧,૨૦,૦૦૦/- સહાય મળવાપાત્ર છે તેમજ આ જ ઠરાવની જોગવાઈઓ મુજબ પશુ મૃત્યુના કિસ્સામાં મળવાપાત્ર સહાય દૂધાળા પશુઓ (ગાય, ભેંસ, ઉંટ, યાક વિ.) માટે રૂ.૩૭,૫૦૦/- તથા ઘેટા/બકરા માટે રૂ.૪૦૦૦/- મળવાપાત્ર છે. જ્યારે બિનદૂધાળા પશુઓ (ઉંટ/ઘોડા/બળદ) ના મૃત્યુના કિસ્સામાં રૂ. ૩૨૦૦૦/- તથા ગાયની વાછરડી/ગધેડા/પોની માટે રૂ.૨૦,૦૦૦/- સહાય મળવાપાત્ર છે, તેમ જણાવાયું હતું.
રાજ્યમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસ રોગચાળાના વધી રહેલા વ્યાપ અન્વયે ચાંદીપુરા વાયરસ રોગ વિશે તથા રોગથી રક્ષણ મેળવી સુરક્ષિત રહેવા કેવી સાવચેતીઓ રાખવી તે અંગે સમજ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગને ચાંદીપુરા વાયરસ રોગ અંગેની જાણકારી માટેના પેમ્ફલેટનું જનજાગૃતિ હેતુસર જિલ્લામાં વિતરણ કરવા જણાવ્યું હતું.

