સરીગામ ના માહ્યાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઇ ભગવાનભાઈ રાઠોડ અને યોગીની રાજેશભાઈ રાઠોડ વિરુદ્ધ ભિલાડ-સેલવાસ રહેતા અરવિંદભાઈ શંકરભાઇ પંચાલે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો અધિનિયમ હેઠળ ફરિયાદ કરતા વલસાડ પોલીસે રાજેશ રાઠોડની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સરીગામ માહ્યાવંશી ફળિયામાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઇ રાઠોડ તથા યોગીની રાજેશ રાઠોડ બન્નેએ ભેગા મળી એકબીજાની મદદગારીમાં ઉમરગામ તાલુકાના કરમબેલા ગામ ખાતે અરવિંદભાઈ પંચાલની જમીનને ખોટી રીતે પચાવી પાડી પોતાની માલીકી ખોટી રીતે પ્રસ્થાપિત કરી હતી. તેમજ જમીનમાં લોખંડની કેબીન તેમજ નોટીસ બોર્ડ લગાડી દઇ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો.જે અંગે જમીનના મૂળ માલિક અરવિંદભાઈ પંચાલે ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ઉપરાંત વાપી DYSP ઓફિસ, વલસાડ જિલ્લા પોલીસવડા કચેરીએ અને વલસાડ કલેકટર કચેરીએ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ કરી હતી. જે અનુસંધાને લેન્ડ ગ્રેબીંગ એકટની ફરીયાદ આધારે રાજેશભાઇ ભગવાનભાઇ રાઠોડ તથા તેમની પત્ની યોગીનીબેન રાજેશભાઇ રાઠોડની વિરૂદ્ધમાં વલસાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

