રકતપિત્તથી ગભરાશો નહિ, તેનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં મફત થાય છે
(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદના જીલ્લા વિકાસ અધિકારી એમ.કે દવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમાર અને જીલ્લા ક્ષય અધિકારી ડો.કાર્તિક શાહના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, એસ.આઇ અને મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરની લેપ્રસી (રકતપિત્ત) ઓરીએન્ટેશન તાલીમ યોજાઇ હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.બી કે વાઘેલા, ડીએનએમઓ ડો.ગીતાંજલી બોહરા, ડો.નુપુર ચોરસીયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
રકતપિત્ત વિશે સત્ય હકીકતો અંગે વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો. બી કે વાઘેલાએ જણાવ્યું હતું કે, રકતપિત્ત પૂર્વ જન્મના પાપ કે શાપનું ફળ નથી. રકતપિત્ત વારસાગત નથી. કોઇપણ બાળક રકતપિત્ત રોગ સાથે જન્મતું નથી. રક્તપિત્ત અન્ય ચેપી રોગોની જેમ જંતુથી ફેલાતો રોગ છે. રક્તપિત્ત કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. પુરૂષ – સ્ત્રી, બાળક – યુવાન, વૃધ્ધ, ગરીબ-તવંગર. આછું, ઝાંખુ કે રતાશ પડતું ચાઠું, રકતપિત્ત હોઇ શકે! ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રકતપિત્ત હોઇ શકે. હાથ – પગમાં સતત ખાલી ચઢી જવી, પગમાં ન રુઝાય તેવા ચાંદા પડવા, રકતપિત્ત હોઈ શકે. રકતપિત્ત ચેપી રોગોમાં સૌથી ઓછો ચેપી રોગ છે. રક્તપિત્તના થોડા દર્દીઓ જ ચેપી હોય છે અને આવા દર્દીઓને પણ સારવારથી બિન ચેપી-રોગમુકત કરી શકાય છે. રકતપિત્ત કોઇપણ તબક્કે મટાડી શકાય છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી વિના વિકૃતિ ચોક્કસ મટી શકે છે. રકતપિત્તના કારણે આવતી પંગુતા – વિકૃતિ દૂર કરી શકાય છે. રકતપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરો અને તેમને મદદ કરો. આવો, આપણે સૌ સાથે મળી રકતપિત્તને નિર્મૂલન કરીએ.રકતપિત્તથી ગભરાશો નહિ, તેનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં મફત થાય છે.

