Gujarati

વલસાડ જિલ્‍લા ઈન્ચાર્જ કલેકટરશ્રી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

વલસાડ:વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક તા. ૧૫ એપ્રિલે સવારે ૧૧ કલાકે ઈન્ચાર્જ કલેકટર –વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ઉપસ્થિત ચારેય ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ પ્રજાની સુખાકારી અને વિકાસ કાર્યોને અડચણરૂપ પ્રશ્નોની રજૂઆત કરી હતી.
ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ધોડીપાડા, ફણસા, કલગામ અને માણેકપુર વગેરે ગામમાં પીવાના પાણીની સમસ્યાનો મુદ્દો રજૂ કરી જણાવ્યું કે, પાણીની ટાંકી અને સમ્પ બનાવ્યા છે પરંતુ પાણી પુરવઠાની મેઈન લાઈન સાથે જોડાણ ન થવાના કારણે દરેક ગામમાં પાણી સમસ્યા ઉભી થઈ છે. કલગામ અને ફણસા ગામ ઉંચાઈ પર હોવાથી ત્યાં પણ પાણી આવતુ નથી. આ સિવાય રૂ. ૨૭ કરોડ ૭૨ લાખની પાણી પુરવઠા યોજનામાં વલવાડા, બોરલાઈ, કચીગામ, બોરીગામ અને અચ્છારીમાં પાણીની લાઈન તુટી જવાથી પાણી ટાંકીમાં પહોંચતુ નથી. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ દમણગંગા નહેર વિભાગ દ્વારા કાકડકોપર ગામમાં લીફટ ઈરીગેશન લંબાવવા અને ધોધડકુવાની લીફટ ઈરીગેશન લાઈન બંધ હોવાની રજૂઆત કરી હતી. જે મામલે કલેકટરશ્રીએ કહ્યું કે, જિલ્લામાં પાણીને લગતા જે પણ પ્રશ્નો હશે તે મુદ્દે એક અગત્યની મીટિંગ બોલાવી તમામ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરાશે.
ધારાસભ્ય જીતુભાઈએ વધુમાં કપરાડા તાલુકાના બોર્ડર વિલેજના ગામો જેવા કે, પીપરોણી, મધુબન, નગર, રાયમળ જેવા ૧૩ ગામોની સબ પોસ્ટ ઓફિસ મોટા રાંધા (દાનહ) છે. જયારે આધારકાર્ડ પર પીન કોડ નંબર દાનહનો હોવાના કારણે સ્થાનિક સ્થાનિક લોકોને બેંકમાં ખાતા ખોલવા અંગે મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત કરી હતી. જે મુદ્દે કલેકટરશ્રીએ લીડ બેંકના મેનેજરને આ વિસ્તારોમાં ખાતા ખોલાવા માટે કેમ્પ કરવા જણાવ્યું હતું. અન્ય એક પ્રશ્ને જીતુભાઈએ કહ્યું કે, બુરવડથી પીપરોણી થઈ સાયલી દાનહ બોર્ડરને જોડતા ૭ કિમીના બિસ્માર રસ્તાની મરામત કામગીરી કયાં કારણોસર બાકી છે જેના જવાબમાં માર્ગ મકાન (પંચાયત)ના કાર્યપાલક ઈજનેરે ૮ થી ૧૦ દિવસમાં રસ્તાની કામગીરી પૂર્ણ કરાશે એવી ખાતરી આપી હતી. નાનાપોંઢા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગાયનેક અને પિડિયાટ્રીક છેલ્લા અઢી વર્ષથી રજા પર છે અને છેલ્લા ૫ વર્ષથી સર્જન નથી. સ્થાનિક લોકોને મુશ્કેલી પડી રહી હોવાથી શું પગલા લેવાયા? જેના જવાબમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું કે, આ સીએચસીના ગાયનેકોલોજીસ્ટ વર્ગ -૧ તરીકે ડો. અમીશા એન કોન્ટ્રાક્ટર તા. ૧૧ જૂન ૨૦૧૯ના રોજ હાજર થયા બાદ સતત બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા તેમને ૭ કારણદર્શક નોટિસ આપી છે. જેનો જવાબ તેમણે આપ્યો નથી. જેથી તેમની સેવા સમાપ્ત કરવા અથવા અન્ય જગ્યાએ બદલી કરી અન્ય ગાયનેકોલોજીસ્ટની નિમણૂંક કરવા ગાંધીનગર ચીફ પર્સોનલ ઓફિસરને રજૂઆત કરી છે. આ સિવાય પિડિયાટ્રીશીયન વર્ગ -૧ ડો. વિભા પી.ગોયલ તા. ૩૦ મે ૨૦૨૦થી ફરજ પર બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા તેમની સેવા સમાપ્ત કરી અન્ય પિડિયાટ્રીશીયનની નિમણૂંક કરવા સીએમ સેતુ કાર્યક્રમમાં રજૂઆત કરી છે. ધારાસભ્યશ્રી જીતુભાઈએ જિલ્લામાં આવેલી પ્રાઈવેટ લીમિડેટ ઈન્ડસ્ટ્રીઝ કંપનીઓએ આપેલુ સીએસઆર ફંડ કયા વિસ્તારમાં અને કયા હેતુ માટે ઉપયોગ કરાયો છે તેની માહિતી માંગતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરે કહ્યું કે, આ માહિતી અમારી પાસે ઉપલબ્ધ ન હોવાથી અમદાવાદ વડી કચેરીથી માહિતી મંગાવી છે.
વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલે વલસાડ- ગુંદલાવ- ખેરગામ રોડ પર ઝાડ કટીંગની મંજૂરી કયારે અને કેટલા સમયમાં આપવામાં આવશે અને હાલમાં એક પણ ઝાડ કટીંગ નથી કર્યું છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા કામગીરી કેમ અટકાવવામાં આવી તેમજ તા. ૧૭ જુલાઈ ૨૦૨૨થી મંજૂરી માંગવામાં આવી છતાં કેમ આપવામાં ન આવી પ્રશ્ન રજૂ કરતા સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષક યદુ ભારદ્વાજે કહ્યું કે, આ રોડ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તરીકે જાહેર થયેલો હોવાથી કોઈપણ કામગીરી કરતા પહેલા એફ.સી.એ- ૧૯૮૦ હેઠળ ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે. જિલ્લા કક્ષાએ એફ.સી.એ.ના કેસોની પરવાનગી આપવાની સત્તા નથી. માર્ગ મકાન વિભાગ દ્વારા અમારી કચેરીને યોગ્ય રીતે દરખાસ્ત કરવામાં આવી નથી. જેથી દરખાસ્તને ઉપલી કક્ષાએ મોકલવામાં વિલંબ થયો છે. દરખાસ્તમાં જે ક્ષતિઓ હતી તે અંગે માર્ગ અને મકાન વિભાગને જાણ પણ કરાઈ હતી. જે અંગે સાંસદ ડો.કે.સી.પટેલે કહ્યું કે, આ મામલે કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ યાદવને હકીકત અંગે વાકેફ કરાયા છે જેથી વિભાગ દ્વારા ફોલોઅપ લેવુ. કલેકટરશ્રીએ આ મામલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીને પોર્ટલ પર જે પણ ક્ષતિ હોય તેની પૂર્તતા નાયબ વનસરંક્ષક અધિકારી સાથે તેમની કચેરીમાં જઈને પોર્ટલમાં જરૂરી ક્ષતિ સુધારીને આજે જ પોર્ટલમાં અપલોડ કરીને કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
આ સિવાય વલસાડ-ગુંદલાવ-ખેરગામ રોડની બંને સાઈડ ડીજીવીસીએલના વીજ પોલ ખસેડવામાં આવતા ન હોવાથી વારંવાર અકસ્માતો થતા હોવાની રજૂઆત કરી ધારાસભ્ય ભરતભાઈએ આ વીજ પોલ ક્યારે અને કેટલા સમયમાં ખસેડવામાં આવશે એમ પ્રશ્ન પૂછતા ડીજીવીસીએલના કાર્યપાલક ઈજનેરે કહ્યું કે, જેનુ એસ્ટીમેટ ભરાયુ છે તેની કામગીરી ચાલુ છે, ૭૦ થી ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. બાકીની કામગીરી પણ વેળાસર પૂરી કરાશે. આ સિવાય વલસાડ છીપવાડ ગરનાળાથી રોડ ઉતરે ત્યાં અને ગરનાળાની અંદર ખાડા હોવાથી રોડના નવીનીકરણની રજૂઆત ભરતભાઈએ કરતા પાલિકાના ચીફ ઓફિસરે પેવર બ્લોક નાંખવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનું હોવાનું જણાવ્યું હતું. વલસાડ પાલિકા દ્વારા ધોબીતળાવ રોડ, કોસંબા રોડ, નીરા કેન્દ્રથી રૂરલ પોલીસ સ્ટેશન થઈ તાલુકા પંચાયત ઓફિસ, સ્ટેડિયમ રોડ મુખ્ય રસ્તાથી ભીડભંજન મહાદેવ મંદિર તરફ જતા રસ્તા પરના દબાણ દૂર કરવા ભરતભાઈએ રજૂઆત કરતા ચીફ ઓફિસરે કહ્યું કે, દર ૧૫ દિવસે સિટી પોલીસ સાથે મળી આ દબાણો દૂર કરાશે. જે અંગે જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે, ઘણા દબાણો દૂર કરાયા પણ થોડા દિવસોમાં ફરી દબાણ થઈ જાય છે જેથી હવે દર ૫ દિવસે ચેકિંગ કરાશે. વધુમાં ભરતભાઈ શહેરમાં લોકો આડેધડ પાર્કિંગ કરતા હોવાની રજૂઆત કરતા પોલીસ વડાશ્રીએ કહ્યું કે, આડેધડ પાર્કિગ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનોને જપ્ત કરવા માટે ક્રેઈનનું ટેન્ડર થઈ ગયુ છે. જે આવ્યેથી કડક હાથે કામગીરી થશે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે ધરમપુર-વલસાડ ફોરલેન રોડ બનાવવાની કામગીરી કયારે પૂર્ણ થશે એવો પ્રશ્ન પૂ્છ્યો હતો જેના જવાબમાં માર્ગ અને મકાન (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનરે કહ્યું કે, નડતરરૂપ ઝાડો દૂર કરવા દરખાસ્ત કરી વન વિભાગને મંજૂરી માટે મોકલી છે. વન વિભાગનું ક્વોટેશન હજુ સુધી મળ્યું નથી. જે મળ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. અરવિંદભાઈએ ધરમપુર વિલ્સન હિલ ખાતે પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી હોવાનું જણાવતા વલસાડ ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક નિશા રાજે જણાવ્યું કે, પાણીની સુવિધા માટે પાણીની પાઈપ લાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કલેકટરશ્રીએ આ મામલે પાણી પહોંચતુ છે કે નથી તેની તપાસ કરવા પ્રાંત ધરમપુરને સૂચન કર્યું હતું. આ સિવાય ધરમપુરની બોમ્બે ડાયમંડ પ્રા.લિ.ના ૨૫૪ કામદારોને પીએફની ચૂકવણી બાબતે શુ કાર્યવાહી કરવામાં આવી તેવો પ્રશ્ન પૂછતા વાપી પીએફ કમિશ્નરના પ્રતિનિધિએ કહ્યું કે, જે તે કામદાર સિવાય અન્ય કોઈને પણ આ માહિતી ડિસ્ક્લોઝ કરી શકાય તેમ નથી કારણ કે નાણાકીય છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે. જેના જવાબમાં ધારાસભ્ય અરવિંદભાઈએ કહ્યું કે, કામદારોને પત્ર લખી જાણ કરો તો તેઓ પીએફની રકમ ઉપાડી શકે.
ભાગ-૨ માં જિલ્‍લા કલેકટરશ્રીએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં સત્વરે ઉકેલ આવે તે માટે તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી અનસૂયા આર.ઝા, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ સર્વ ડી.જે.વસાવા, કેતુલ ઇટાલીયા, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નિશા રાજ, દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋુષિરાજ પુવાર તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

About the author

krishnanewsnetwork

Leave a Comment