Gujarati

વૈદુભગતોના ઉપચાર મેળામાં ડાંગના આહવા તાલુકાના વાસુર્ણા ગામના યુવા વૈદ્ય પ્રકાશભાઈએ સેંકડો લોકોને કર્યા છે રોગમુક્ત: દેશી વૈદુને કારકિર્દીરૂપે અપનાવ્યું છે

ભારતની આગવી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની છે, ત્યારે સુરતીઓને ડાંગ, આહવા અને વલસાડના વૈદુભગતોની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળે તે હેતુથી ઉમરા પોલીસ સ્ટેશન પાસે, એસ.એમ.સી.પાર્ટી પ્લોટ, અઠવાલાઈન્સ ખાતે શ્રી પછાત મહિલા વિકાસ મંડળ-ભાવનગર તથા શર્વરીસેતુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા.૨ થી ૮ એપ્રિલ સુધી ‘આદિવાસી પરંપરાગત વૈદુભગતોના વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન અને ઉપચાર મેળો’ યોજાઈ રહ્યો છે, જેમાં એક-એકથી ચડિયાતા વૈદુભગતોની કોઠાસૂઝ અને આયુર્વેદની ચિકિત્સાનો લાભ સુરતવાસીઓ બહોળી સંખ્યામાં મેળવી રહ્યા છે. ડાંગ જિલ્લાથી આવેલા આવા જ એક યુવા વૈદુભગતે નાની વયમાં જ અવનવા, જટિલ રોગો મટાડવામાં હથોટી મેળવી છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુર્ણા ગામના ૩૧ વર્ષીય પ્રકાશભાઈ શાંતિરામભાઈ બાગુલ ગ્રેજ્યુએટ થયેલા શિક્ષિત વૈદ્ય છે. પિતાના વૈદુના પગલે ચાલીને તેમણે દેશી વૈદુને કારકિર્દીરૂપે અપનાવ્યું છે, અને સેંકડો દર્દીઓને રોગમુક્ત કર્યા છે.
તેઓ સુરતના ઉપચાર મેળામાં અસરકારક એવા માલકાંગણી તેલ, જ્યોતિષ્મતિ વેલ, જંગલી કોથમીર(ડુંગરનું જીરૂ) ગરમાળાની સિંગ, મોરીંગા પાવડર(મીઠો સરગવો) જેવા ઔષધિના ઉપયોગથી વિવિધ રોગોનો ઈલાજ કરી રહ્યા છે. પ્રકાશભાઈ જણાવે છે કે, મારા પિતાએ વૈદુની વિદ્યા શીખવી હતી અને આપણો પ્રાચીન વારસો એવા આયુર્વેદની મદદથી રોગપીડિત લોકોની સેવા કરવાનો વારસો આપ્યો હતો. તેઓ વિવિધ દુર્લભ ઔષધિઓ બતાવતા જણાવે છે કે, માલકાંગણી તેલથી યાદશક્તિ, માનસિક શક્તિમાં વધારો થાય છે. માલિશ માટે પણ ઉપયોગી છે. દ્રાક્ષ જેવા દેખાતા ફળો આપતા જ્યોતિષ્મતિ વેલ એ ડાયાબિટીસ, સુગર પ્રોબ્લેમનો રામબાણ ઈલાજ છે. ચપટી જેટલું જંગલી કોથમીર(ડુંગરનું જીરૂ) લેવાથી એસીડીટીમાં તાત્કાલિક રાહત મળી જાય છે. તેના નિયમિત સેવનથી એસીડીટી જડમૂળથી મટી જાય છે. પાણીમાં ગરમાળાની સિંગને ઉકાળી એ પાણી પીવાથી પેટ અને આંતરડાના તમામ રોગોથી મુક્તિ મળે છે. તેમજ મોરીંગા (મીઠા સરગવા)ના પાનને સૂકવીને પાણી સાથે નરણા કોઠે પીવાથી હાઈ બ્લડપ્રેશર, હ્રદયના રોગો મટે છે એમ તેઓ જણાવે છે.
યુટ્યુબના જ્ઞાનસભર વિડીયો જોઈને હું વૈદુમાં તજજ્ઞતા મેળવવાનો પ્રયાસ કરૂ છું, યુટ્યુબ થકી મારા વૈદકીય જ્ઞાનમાં બહોળો વધારો થયો છે જે હું મારા દર્દીઓને સાજા કરવામાં ઉપયોગ કરૂ છું એમ પ્રકાશભાઈ જણાવે છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment