Gujarati

નારગોલ બીચ ખાતે આવતા પ્રવાસીઓ માટે ગ્રામ પંચાયત દ્વારા Pay & Park સુવિધાનો શુભારંભ:જાહેર હરાજી કરી પે એન્ડ પાર્ક તેમજ પે એન્ડ યુઝ શૌચાલયના સંચાલન માટે ઇજારો આપી સ્વભંડોળની આવકનો સ્ત્રોત ઊભો કર્યો

Written by krishnanewsnetwork

નારગોલ ગ્રામ પંચાયત દ્વારા નારગોલ બીચ ખાતે આવતા પ્રવાસીઓ માટે Pay & Park, Pre Wedding Photo S Tax, Pay & Use શૌચાલય જેવી સુવિધાનો આજરોજ શુભઆરંભ કરવામાં આવ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ દક્ષિણ ગુજરાતના ઉમરગામ તાલુકામાં આવેલ નારગોલ ગામનો દરિયા કિનારો વિશ્વ પ્રચલિત છે. આ દરિયા કિનારે તાજેતરમાં ઇકોટ્યુરિઝમ સેન્ટર નિર્માણ થતા પ્રવાસીઓની સંખ્યામાં ભરખમ વધારો થયો છે. નારગોલ બીચ ખાતે સમગ્ર દેશભરથી પ્રિ-વેડિંગ શૂટ માટે લોકો આવતા હોય છે. દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓને પાયાની સુવિધા મળી રહે તે માટે કટિબદ્ધ થઈને ગ્રામ પંચાયત નારગોલની ટીમ સક્રિયતાથી કામગીરી કરી રહી છે જેના ભાગરૂપે નારગોલ બીચ ખાતે Pay & Park, Pay & Use શૌચાલય ચેન્જરૂમ જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. જેના સંચાલન માટે ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજી કરી એજન્સીને ઇજારો આપવામાં આવ્યો છે. ઇજારો આપીને ગ્રામ પંચાયતે સ્વભંડોળની આવકમાં વધારો કરી દરિયા કિનારે આવતા પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરી છે. આજરોજ તા. 1/8/2024ના સવારે 10:30 કલાકે તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર, નારગોલ ગામના સરપંચ સ્વીટી યતીન ભંડારી, નારગોલ મરીન પોલીસ સ્ટાફની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારીના વરદ હસ્તે શ્રીફળ વધેરી તેમજ રીબીન છોડી Pay & Park સુવિધા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ અવસરે નારગોલ ગામના માજીસરપંચ યતીન ભંડારી, કાંતિલાલ કોટવાલ, પંચાયતના સભ્યો, વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. ગ્રામ પંચાયત નારગોલ દ્વારા કરવામાં આવી રહેલા કામોથી તાલુકા વિકાસ અધિકારીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે મહેમાનો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

About the author

krishnanewsnetwork

Leave a Comment