*૩૦૦૦ મીટરની સ્ટીપલ ચેઝ ૯: ૨૨: ૬૭ સેકન્ડમાં પુરી કરી એશિયન કંટ્રીના વિવિધ દેશોને પછડાટ આપી*
*એશિયન જુનિયર એથ્લેટીક્સમાં સ્ટીપલ ચેઝમાં ગુજરાતે પ્રથમવાર ગોલ્ડ મેડલ મેળવ્યો*
*આ સિધ્ધિ માટે રોજના આઠ કલાક મહેનત કરી, હવે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ લાવવાનું સપનુ પુરૂ કરવુ છેઃ રણવીર સિંઘ*
‘‘સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’’ ઉક્તિને વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા મધ્યમ વર્ગના પરિવારના યુવકે સાર્થક કરી બતાવી છે. ૧૯ વર્ષીય રણવીર અજય સિંઘે દુબઈ ખાતે રમાયેલી એશિયન જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડળ મેળવી વલસાડ જિલ્લાનું નામ સમગ્ર એશિયામાં ઝળહળતુ કર્યુ છે. આ સિધ્ધિ સાથે જ ગુજરાતે એશિયન જુનિયર ગેમ્સમાં ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેઝમાં પ્રથમ વાર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સફળતાનો શ્રેય ખેલાડી રણવીર અને તેમના કોચ રિડમલ સિંઘે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતને આપ્યો છે.
વાપી ખાતે ડુંગરામાં ગુરૂદ્વારા નજીક લેકવ્યુ રેસિડેન્સીમાં રહેતા ખેલાડી રણવીરના પિતા અજયસિંઘ જય કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં ૩ પુત્ર એક ૧ એક પુત્રી છે. તેમનો ૧૯ વર્ષીય પુત્ર રણવીરે પ્રાથમિક શિક્ષણ વાપીની સેન્ટ જોસેફ સ્કૂલમાં મેળવ્યુ હતું. ત્યારબાદ અમદાવાદમાં સંસ્કારધામમાં ધો. ૬ થી ૮, ત્યારબાદ નડીયાદમાં ધો. ૮ થી ૧૦ અને દેવગઢમાં ધો. ૧૧ અને ૧૨ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. રણવીરને બાળપણથી જ સ્પોર્ટસ પ્રત્યે રૂચિ હોવાથી તેમાં જ કારર્કિદી બનાવવા માટે હાલ આણંદ ખાતે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટસ (બીપીએસ) કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. સ્પોર્ટસમાં રસ ધરાવનાર રણવીર સિંઘે તાજેતરમાં દુબઈ ખાતે યોજાયેલી એશિયન જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જેમાં ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધા ૯: ૨૨: ૬૭ સેકન્ડમાં પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ગુજરાતે પ્રથમવાર ગોલ્ડ મેડલ જીતતા દુબઈની ધરતી પર આ ક્ષણ વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ બની હતી.
ખેલાડી રણવીર સિંઘે માહિતી ખાતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્પોર્ટસમાં દેશ માટે ગોલ્ડ મેડલ લાવવાનું મારૂ બાળપણનું સપનુ હતું. જેને સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરી હતી. સ્ટીપલ ચેઝમાં ૩૦૦૦ મીટર સુધીની દોડના ટ્રેક પર અનેક જગ્યા પર વોટર જમ્પ અને ૩ મીટર સુધીના ઉંડા ખાડા કૂદીને ટ્રેક પાર કરવાનું હોય છે. જે માટે રોજના ૮ કલાક સુધી પ્રેકટીસ કરતો હતો. મારી આ સફળતા પાછળ મારા પિતા અજય સિંઘ અને કોચ રિડમલ સરનું ખૂબ જ મહત્વનું યોગદાન છે. ખાસ કરીને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતનો દિલથી આભાર માનુ છું, કારણ કે, ગુજરાત સરકાર દ્વારા પ્રેકટિસ માટે ટ્રેકથી માંડીને રહેવા જમવાની સુવિધા, બેસ્ટ કોચનું માર્ગદર્શન સહિતની જરૂરી તમામ સુવિધાઓ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પુરી પાડવામાં આવી છે. હવે વર્ષ ૨૦૨૮માં યોજાનાર ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી દેશ માટે ગોલ્ડ મેડલ લાવવાનું મારૂ સપનુ છે. જેને પુરૂ કરવા માટે હાલમાં સાપુતારા ખાતે પ્રેકટિસ કરી રહ્યો છું.
રણવીર સિંઘના એક્ષપર્ટ કોચ રીડમલસિંઘે વાતચીત કરતા જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી હું રણવીરના કોચ તરીકે છું. અમદાવાદ સંસ્કાર ધામ ખાતે મારી નજર તેના પર પડતા તેનામાં સ્ટીપલ ચેઝમાં લોંગ ડિસ્ટન્સ રનર્સ તરીકેની ખૂબી જોવા મળી હતી. જેથી નડિયાદની એથ્લેટીક્સ એકેડેમીમાં બે વર્ષ સુધી તેને ટ્રેઈન કર્યો હતો. હું પોતે પણ લોંગ ડિસ્ટન્સ રનર્સનો કોચ છું. મારી પાસે પ્રેકટીસ કર્યા બાદ રણવીર રાષ્ટ્રીય સ્તરે પણ સ્ટીપલ ચેઝ રમી આવ્યો હતો. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ ૪૫ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં પણ રણવીર ઓલ ઈન્ડિયા લેવલે પ્રથમ આવ્યો હતો. ત્યારબાદ હવે દુબઈમાં આયોજિત એશિયન જુનિયર એથ્લેટીક્સ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યુ છે. રણવીરે આ ગેમ્સમાં એશિયન કંટ્રીના ૨૩ જેટલા સ્પર્ધકોને માત આપી આ ઝળહળતી સિધ્ધિ મેળવી છે. હવે આગામી ઓગસ્ટ માસમાં પેરૂ ખાતે યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે તડામાર તૈયારી કરી રહ્યો છે. એશિયન જુનિયર ગેમ્સમાં સ્ટીપલ ચેઝમાં ગુજરાતે પ્રથમ વાર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ખેલાડી ઉપર દર મહિને રૂ. ૫૫૦૦નો ખર્ચ કરે છે. ખેલ જગતમાં ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પણ રોશન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વિશેષ કાળજી અને સુવિધાઓ ખેલાડીઓને આપવામાં આવી રહી છે જેના પગલે એક પછી એક ખેલાડીઓ આસમાન આંબી રહ્યા છે. જે બદલ હું ગુજરાત સરકારનો ખાસ આભાર માનું છું.
*સંકલનઃ જિજ્ઞેશ સોલંકી*
માહિતી બ્યુરોઃ વલસાડ, તા.૨૦ જુલાઈ

