(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : બાવળાના નીલકંઠ પાર્ક, શ્યામ પાર્ક અને શ્રેયા સોસાયટીના રહીશો દ્વારા બજરંગદાસ બાપાની મઢુલીની પ્રતિષ્ઠા પહેલા પર્યાવરણ જનજાગૃતિનો સંદેશ આપવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બજરંગદાસ બાપાની મઢુલીની બંને બાજુ આસોપાલવના છોડ રોપવામાં આવ્યા હતા. રક્ષાબંધનના પાવન દિવસે બાવળાના નીલકંઠ પાર્ક, શ્યામ પાર્ક અને શ્રેયા સોસાયટીના રહીશો દ્વારા સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. રહીશો દ્વારા સોસાયટીમાં સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી બજરંગદાસ બાપાના જયકારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શાસ્ત્રો વિધિથી સંત શ્રી બજરંગદાસ બાપાના ફોટાની સ્થાપના કરવામાં આવી હતી. ભક્તો દ્વારા બજરંગદાસ બાપાની સમૂહ આરતી ઉતારવામાં આવી હતી. સાંજના સમયે મહાપ્રસાદ અને ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાવળાના ધર્મ પ્રેમી લોકોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.

