વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલ નરગોલ મરીન પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ નૈનેશ હળપતિ 20 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદી પાસેથી મળી આવેલ બિયરના ટીનમાં કેસ નહિ કરવા કોન્સ્ટેબલે 1 લાખની લાંચ માંગી હતી. જેમાં ફરિયાદીએ સૌ પ્રથમ 50 હજાર રૂપિયા આપ્યા બાદ કોન્સ્ટેબલે બાકીના પૈસા આપવા માંગણી કરી હતી. જે પૈસા નહિ આપવા માંગતા ફરિયાદીએ ACB માં ફરિયાદ કરી હતી. જે આધારે ACB એ ફણસા ચાર રસ્તાથી દમણ જતા રોડ ઉપર ટાટાવાડીળીથી કાલઇ ગામ તરફના રોડની બાજુમાં ACB એ છટકું ગોઠવી હેડ કોન્સ્ટેબલને 20 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.ઘટના અંગે વલસાડ-ડાંગ ACB PI કે. આર. સક્સેનાએ વિગતો આપી હતી કે, ફરીયાદી પોતાની મોપેડ ઉપર દમણથી કનાડુ પોતાના ઘરે આવતા હતા તે દરમ્યાન પાલીગામ ચાર રસ્તા ખાતે નારગોલ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ ચેક કરતા મોપેડની ડીકીમાથી બે બિયરના ટીન મળી આવ્યા હતાં. જે અંગે ફરીયાદીને નારગોલ મરીન પોલીસ સ્ટેશન લઇ આવેલ હતાં.
મરીન પોલીસ મથકમાં પોલીસ કર્મચારી નૈનેશ હળપતિએ ફરીયાદીને માર નહી મારવા માટે, મોબાઇલ અને એક્ટિવા ગુનાના કામે જમા નહી થવા દેવા માટે તેમજ દારૂનો ગુનો દાખલ નહી કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે રકઝકના અંતે 70 હાજરમાં નક્કી કરેલ. જે પૈકી 50 હજાર રૂપિયા ફરીયાદીના ભાઇએ જે તે સમયે પોલીસ કર્મચારી નૈનેશભાઇને આપ્યા હતાં.અને બાકીના 20 હજાર જે તે સમયે નહી આપતા ફરીયાદી ઉપર દારૂનો ગુનો દાખલ કર્યો હતો. અને બાકીના 20 હજારની માંગણી ચાલુ રાખેલ. જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા એ.સી.બી. મદદનિશ નિયામક, એ.સી.બી. સુરત એકમના સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણના માર્ગદર્શનમાં શ્રી કે.આર.સક્સેના,પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર કે. આર. સક્સેનાએ પોલીસ સ્ટાફ સાથે છટકું ગોઠવ્યું હતું.
આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના 20 હજાર સ્વીકાર્યા હતાં. જે દરમ્યાન એ.સી.બી. ટીમને જોઇ જંગલી બાવળનાં ખેતરમાં નાશી ગયો હતો. તેને પકડવા જતા એ.સી.બી. ટીમની ઓળખ આપવા છતા સહકાર નહી આપી ભાગવાની કોશીશ કરતા એ.સી.બી. ટીમના સભ્યોએ જરૂરી બળ પ્રયોગ કરી આરોપીને પકડી લઈ સદર ગુના સંદર્ભે જરૂરી કાર્યવાહી હાથ ધરેલ છે.

