આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામની અંદર આવેલ સીટી સર્વે કચેરીના મકાન ઉપર થોડા વર્ષો પહેલા GSWANનો ઇન્ટરનેટ ટાવર લગાવવામાં આવ્યો હતો જે કચેરીની અંદર સરકારી કામકાજ માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો જે લાંબા સમયથી બંધ હાલતમાં હતો. એક વર્ષ પહેલા આ ટાવરના બે સપોર્ટ તૂટી ગયા હતા જે ચાલુ વરસાદી મોસમની અંદર ભારે પવન અને વરસાદના કારણે બચેલા બે સપોર્ટ વાયર પણ તૂટી જતા ટાવર ભારે પવનથી ડોલમ ડોલ થઈ રહ્યો હતો. આજુબાજુના રહીશો ભયભીત બન્યા હતા. ટાવર ગમે તે ઘડીએ તૂટી પડવાની શક્યતાને જોતા સ્થાનિકો તરફથી મળેલી ફરિયાદ આધારે ગ્રામ પંચાયત સરપંચ સ્વીટી યતીન ભંડારીએ ડિઝાસ્ટર વિભાગને જાણ કરી હતી. વિષયની ગંભીરતા ને જોતા મામલતદાર કચેરીની ટીમે સ્થળ નિરક્ષણ કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાત્કાલિક ધોરણે જોખમી ટાવર હટાવવા માટે ગ્રામ પંચાયત સરપંચને જાણ કરતા ગ્રામ પંચાયત નારગોલ દ્વારા ક્રેન અને માણસોની મદદથી જોખમી ટાવર ઉતારી લેવામાં આવ્યો હતો. આ કામગીરીથી આજુબાજુના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પંચાયત અને ડિઝાસ્ટર વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉમરગામ

