*જનમાનસને સ્વચ્છતા પ્રત્યે જાગૃત ગાંધીજીએ કર્યા : નરેશભાઈ વરીયા*. *સ્વચ્છતાથી જ પર્યાવરણની જાળવણી કરી શકીએ : ભરતભાઈ શાહ*
સ્વચ્છતા અભિયાનને હર ઘર પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત આજે અમરોલીમાં આવેલા જીવન જ્યોત ટ્રસ્ટનાં શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં વિશેષ પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્વચ્છ ભારત અભિયાનનો પ્રારંભ 2014માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો અને દેશને સ્વચ્છ બનાવવા માટેની ઝુંબેશ શરુ કરી છે. આ અભિયાનને જન – જન સુધી પહોંચાડવા માટે ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. અભિયાન અંતર્ગત આજે અમરોલી ખાતે સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે ધબકાર દૈનિકનાં તંત્રી નરેશભાઈ વરીયાએ વિદ્યાર્થીઓને સ્વચ્છતાનાં મહત્ત્વ અંગે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીજીએ ગાંધી જયંતીનાં અવસરે જ આ અભિયાનનો આરંભ કર્યો હતો. દેશમાં સ્વતંત્રતા લડાઈની સાથે સાથે ગાંધીજીએ સ્વચ્છતા માટે પણ જનજાગૃતિના પ્રયાસો કર્યા હતા. જેનો આશય માત્ર શારીરિક નહીં પણ સામાજિક સ્તરે (ઊંચ- નીચનાં ભેદભાવ) ગંદકી સાફ કરવાનો હતો.
નરેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે આપણું શરીર પંચતત્વનું બનેલું છે. જે તે તત્વમાં ખામી સર્જાય તો આપણા શરીર અને આયુષ્ય પર પણ તેની અસર પડે છે. વ્યક્તિને ગંદકી સામે અણગમો હોય છે પણ તેને દૂર કરવાનું વિચારતા નથી. આપણે સ્વચ્છતા જેવા મુદ્દાને તંત્ર કે સરકારનાં ભરોસે ન છોડી શકીએ. જાગૃત નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે આપણે આપણા શેરી, મહોલ્લા કે આસપાસ દેખાતી ગંદકી સાફ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આજે સુરત શહેરને સ્વચ્છતા માટે એવોર્ડ મળ્યો છે પણ એક સમયે આ જ શહેરમાં પ્લેગ જેવો ગંદકીથી ફેલાતો રોગચાળો ફેલાયો હતો. શહેરીજનો અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી આજે આપણું શહેરને પ્રથમ ક્રમાંક મળ્યો છે.ડિજિટલ ગંદકી અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે, આપણે વૃક્ષો બચાવવા પેપરલેસ કામને મહત્વ આપતાં થયા છીએ. પરંતુ આ અવનવા ગેજેટ્સનાં ઉપયોગથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન વધી જાય છે. જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેમણે વિદ્યાર્થીઓને વાંચનની સલાહ આપતા કહ્યું હતું કે વાંચનથી તમારાં વિચાર, વર્તનમાં પરિવર્તન થશે. જેથી તમારામાં વિવેક આવશે અને તમારો વિકાસ થશે.આ પ્રસંગે ઉપસ્થિત જીવન જ્યોત ટ્રસ્ટનાં પ્રમુખ ભરતભાઈ શાહે વિદ્યાર્થીઓને શરીરની સાથે મનની સ્વચ્છતા રાખવા અને હમેંશા સકારાત્મક વિચારો રાખવા કહ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે સ્વચ્છતાથી જ પર્યાવરણની જાળવણી કરી શકીએ છીએ અને બિમારીથી બચી શકાય છે. સુરત શહેરને સ્વચ્છતામાં કાયમ આગળ રાખવા સંયુક્ત પ્રયાસ કરવાની અપીલ પણ તેમણે કરી હતી.આ કાર્યક્રમમાં શ્રી ગીરધર ગોપાલ મુંદ્ડા માધ્યમિક શાળાનાં ધોરણ 8 થી 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનાં ભાગરૂપે ચિત્ર અને સ્લોગન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિજેતાઓને મહેમાનોનાં હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય પ્રાર્થના સાથે થઈ હતી. જ્યારે પ્રસ્તાવના ક્ષેત્રીય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ કરી હતી.આ કાર્યક્રમમાં જીવન જ્યોત ટ્રસ્ટનાં મંત્રી અશ્વિનભાઈ પટેલ, ટ્રસ્ટી સ્નેહલભાઈ શાહ, કાંતિભાઈ શાહ, ડૉ. મહેન્દ્રભાઈ સોલંકી, જે. ઝેડ. શાહ કોલેજના પ્રિન્સીપાલ રાજેશભાઈ રાણા, બી. સી. એ., બી.બી. એ. અને કોમર્સ કોલેજનાં પ્રિન્સીપાલ ડૉ. મુકેશભાઈ ગોયાણી, માધ્યમિક શાળાનાં પ્રિન્સીપાલ અંજનીબેન જાની અને અન્ય શિક્ષકો, નીલમબેન કંથારીયા, રોશન પટેલ અને અમૃતભાઈ સોનેરી ઉપસ્થિત રહ્યા હતાં.


