ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા સનાતન ધર્મનું મુખ્ય તત્ત્વ છે. – પૂ. અક્ષરવત્સલદાસ સ્વામી
‘આર્ષ’ શોધ સંસ્થાન અક્ષરધામ ગાંધીનગર દ્વારા વિશ્વવંદનીય સંત પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને પ. પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાશિષ હેઠળ છેલ્લા ૨૬ વર્ષથી ગંગાના પ્રવાહની જેમ વહેતી આર્ષ પ્રવચનમાળામાં ભારતીય મૂલ્યોનું સંવર્ધન થાય, તે હેતુને લક્ષમાં રાખીને વિદ્વાનો દ્વારા વ્યક્તિવિશેષ, સામાજિક સમસ્યા, દર્શન અને શાસ્ત્ર – વિષયો આવરી ત્રૈમાસિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે. આ ક્રમ અંતર્ગત દર્શન-ચિંતન વિષયક ‘સનાતમ ધર્મની જ્યોત હૈયે જગાવીએ’ વિષય પર ૧૦૪માં પ્રવચનનું આયોજન તા. ૨3-૧૨-૨૦૨3ના રોજ સાંજે ૦૪.૩૦ થી ૦૭.૦૦ સમય દરમ્યાન અક્ષરધામ, હરિમંદિર, સભાગૃહ ખાતે યોજાયું હતું. આ પ્રસંગે વક્તા તરીકે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ અમદાવાદના પૂ. અક્ષરવત્સલદાસ સ્વામી તેમજ આર્ષ શોધ સંસ્થાનના નિયામક પ્રો.ડો. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. પ્રવચનમાં ૧૨૦૦ થી પણ વધુ શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતાપૂ. અક્ષરવત્સલદાસ સ્વામીએ સનાતન ધર્મની જ્યોત હૈયે જગાવીએ વિષયક વાત કરતાં સૌ પ્રથમ જણાવ્યું કે, આજે જ્યારે સનાતન ધર્મની વાત સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે સનાતન ધર્મ નામ કેવી રીતે પડ્યું ? તે વિશે વાત કરીએ, જેનો ક્યારેય અંત નથી. જેનો કોઇ સ્થાપક નથી કે તેનો કોઇ એક ઇષ્ટદેવ નથી, જેનો જન્મ નથી, મૃત્યુ નથી. તેની કોઈ તારીખ, તિથિ કે વર્ષ નથી. પરંતુ આદિ-અનાદિથી જેનું ગંગાના પ્રવાહની જેમ વહન થઇ રહ્યું છે તેનું નામ સનાતન ધર્મ. તેને વ્યાખ્યામાં બાંધવો અશક્ય છે. તેમ છતાં તેને જીવન જીવવાનો એક માર્ગ કહી શકાય. ઇ.સ. પૂર્વે ઘણા વિદેશી આક્રમણકારોએ આક્રમણ કરી તેમની પોતાની ધાર્મિક માન્યતાઓ સ્થાપવાના પ્રયત્નો કર્યા છતાં સનાતન ધર્મ જીવિત છે. ગ્રીક રોમ વગેરે ધર્મોની કોઈ પૂજા-પદ્ધતિ આજે અસ્તિત્વમાં નથી પરંતુ સનાતન ધર્મની પૂજા પદ્ધતિ હયાત છે. અવતારવાદ અને મૂર્તિપૂજા, કર્મવાદ અને પુનર્જન્મ, સંયમ અને બ્રહ્મચર્ય, આહાર-વિહાર શુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ તેના પાયાના અભિગમો છે એવો સનાતન ધર્મ જેનું આજનું પ્રચલિત નામ એટલે હિન્દુ ધર્મ. અનેક તત્ત્વચિંતનો, વિધિ-વિધાનો, માન્યતાઓ અને રીત-રીવાજો જેવા પાયાનાં તત્ત્વોનો વિશાળ મહાસાગર જેમાં સમાયેલો છે.સમગ્ર વિશ્વના શાસ્ત્રોમાં જૂનામાં જૂના ઋગ્વેદ ગ્રંથમાં 10 હજાર વર્ષ પહેલાં શાંતિપાઠ થતો, મંત્રો બોલાતા હતા તે જ આજે પણ બોલાય છે. સનાતન ધર્મ વહેતી નદી છે. પ્રચંડ મહાનદી, તેમાં નિત નવું નવું જળ ઉમેરાયા કરે છે અને ગંગા પ્રવાહની જેમ વહ્યા કરે છે. સમયે સમયે તેનું નવીનીકરણ થતું રહે છે. પરિબળો ઉમેરાતા રહ્યા છે. અને તેને જન સમુદાયે અને વિદ્વાનોએ સ્વીકાર્યા છે.જેના નામ ઋગવેદમાં નથી લેવાયા તેવા નામોને પણ સનાતન ધર્મમાં સ્વીકારવામાં આવ્યા છે. જે સનાતન ધર્મની વિશેષતા છે. અને હિન્દુ ધર્મની વિશાળતા છે.કોઈ પણ ભગવાનને માનતો હોય તો પણ તે સનાતન ધર્મી છે. તમે આકારમાં માનો કે નિરાકારમાં માનો તોય તમે સનાતન ધર્મી કહેવાવ. પુનર્જન્મ નથી એવું માનનારા પણ સનાતન ધર્મી કહેવાય. સનાતન ધર્મનું દુનિયામાં કોઈ ચોકઠું નથી તે મહાસાગર સમાન છે. તેમાં ઘણી નદીઓ ભેગી થાય છે. કેટલા બધા સંતો, પંથો, અલગ -અલગ તિલક, વિધિ-વિધાનો હોવા છતાં સનાતન ધર્મ કહેવાય.પૂ. અક્ષરવત્સલદાસ સ્વામીએ વધુમાં સનાતન ધર્મ અને સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે પ્રમુખસ્વામી મહારાજનું એક વાક્ય ટાંકતાં જણાવ્યું કે, પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. સનાતન ધર્મના જે પાયાનાં સિદ્ધાંતો છે તેને સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારે છે. સ્વામિનારાયણ સંપ્રદાય બધા આગમ-નિગમમાં માને છે. બધા દેવી-દેવતાઓને માન આપે અને સ્થાન આપે છે.સનાતન ધર્મની પરંપરામા ઘણા વિદ્વાન આચાર્યોએ જે ભાષ્યો લખ્યા છે તેમાં દરેકે એક બીજા સંપ્રદાયનું ખંડન કરી પોતાના ધર્મનું મંડન કર્યું છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય એક એવો સંપ્રદાય છે કે, કોઈપણ ધર્મનું ખંડન-મંડન કર્યા સિવાય ભાષ્યો લખ્યા છે. તેમાં સનાતન ધર્મની જ્યોત દેખાય છે.તેમણે મહાભારત, મનુસ્મૃતિ, ધમ્મપદ વગેરે શાસ્ત્રોને આધારે સનાતન ધર્મની વ્યાખ્યા કરતા જણાવ્યું કે, કોઈપણ વ્યક્તિ અથવા ધર્મનો દ્રોહ ન કરવો. સત્ય એવા પરમાત્મા, સત્ય એવા સંતમાં મન કર્મ વચને શુદ્ધિ હોવી જોઈએ. ટૂંકમાં પ્રામાણિક રહીયે તે ધર્મ-ધર્મ, ભાઈ-ભાઈ, પતિ-પત્ની નોકરીમાં કે જ્યાં જે કંઈ કાર્ય કરતા હોય તો તે સનાતન ધર્મ. કોઈના પ્રત્યે દુશ્મનાવટ ન રાખવી, વેર ન રાખવું તે સનાતન ધર્મ. આપણા ઉપર કરવામાં આવેલા ઉપકારને ભૂલી ન જઇએ તે સનાતન ધર્મ. મન, કર્મ અને વચને સાચું બોલી લક્ષણ યુક્ત બનો તે સનાતન ધર્મ. તેમાં મુખ્યત્વે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા સનાતન ધર્મનું મુખ્ય તત્ત્વ છે.અવતારવાદ અને મૂર્તિપૂજા, કર્મવાદ અને પુનર્જન્મ, સંયમ અને બ્રહ્મચર્ય, આહાર-વિહાર શુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ વગેરે પાયાના અભિગમોમાં શ્રદ્ધા રાખવી.આક્રમણકારો દ્વારા સોમનાથથી લઈ કાશી વિશ્વનાથ સુધી શિવલિંગ તોડવામાં આવ્યા છતાં શ્રદ્ધા તત્ત્વ બળવાન હોવાથી તેનું સ્થાપન ફરી કરી સનાતન ધર્મ જીવંત રાખવામાં આવ્યો. શ્રદ્ધા અડગ છે તેમાં શ્રદ્ધા તત્ત્વ બળવાન છે. આ શ્રદ્ધા તત્ત્વ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયને પણ સનાતન ધર્મનો સંપ્રદાય કહેવાય. આ શ્રદ્ધા તત્ત્વ એ જ સનાતન ધર્મ છે.સ્વામિનારાયણ ભગવાનને ઘણા સમાજસુધારક માને પણ, તેમનાં કાર્યો દ્વારા તે સમયમાં તેમને ભગવાન માનનારા હતા. તેનો સ્વીકાર કરનાર બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે સંતો મહાન વિદ્વાનો હતા. તેમણે રચેલા પદ-કીર્તનમાં પણ તેનું આલેખન કરેલું છે. તેમાં પ્રાપ્તિનો કેફ પણ જોવા મળે છે. ઘણા વિદેશી વિદ્વાનોએ તેમના પર પી.એચ.ડી. કરેલું છે અને આજે પણ કરી રહ્યા છે. નંદ સંતોના કાવ્યોનો મહાત્મા ગાંધીએ એમની આશ્રમ ભજનાવલીમાં સમાવેશ કર્યો છે. તે સમયે 3000 સંતો ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે માનતા હતા. આ સંતોએ ભગવાન સ્વામિનારાયણના દરેક અંગ ઉપર પદો રચ્યા છે. એવી તેમની દૃઢતાં હતી. અને તે નંદ સંતો ઉપર પણ વિશ્વના અનેક વિદ્વાનોએ મહાનિબંધ લખેલા છે. સ્વામિનારાયણ ભગવાન વેદો શાસ્ત્રોના જ્ઞાતા હતા. જે તેમના વચનામૃત ઉપદેશ ગ્રંથમાં પ્રતીતિ થાય છે.તેમણે મંદિરો કર્યાં, તેમની હયાતીમાં તેમની મૂર્તિની સ્થાપના કરી. તેમણે સમાજ ઉપર કરેલા ઉપકાર-કાર્યો પરથી પણ ખ્યાલ આવે કે તે ભગવાન હતા. બેટી બચાવો, બેટી પઢાઓ આંદોલન આજે ચાલે છે પરંતુ તેની શરૂઆત ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા કરેલી. સામાજિક ઉત્કર્ષમાં તેમનો ફાળો અગણિત છે. આજે જે કાર્યોને લઇને ગુજરાત રૂડું છે, તેમાં પણ ભગવાન સ્વામિનારાયણનું યોગદાન છે. અને આજે 200 વર્ષ પછી પણ ગુણાતીત સંત પરંપરા દ્વારા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે તેવી સૌ કોઈને પ્રતીતિ થઈ રહી છે.છેલ્લે અંતમાં તેમણે જણાવ્યું કે, આપણે ધન્ય ભાગ્ય છીએ કે સનાતન ધર્મી પરંપરામાં આપણે આવા સનાતન ધર્મી બન્યા છીએ અને સનાતન ધર્મની જ્યોત હૈય જગાવીએ છીએ. સનાતન ધર્મની જ્યોત જગાવતા રહીએ એ પ્રાર્થના સાથે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.પ્રવચનના અંતમાં આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળાની પ્રણાલી મુજબ આગામી 105માં શાસ્ત્ર વિષયક પ્રવચન ‘નિષ્કુળાનંદ કાવ્ય- 8 ચોસઠપદી’ ની રૂપરેખા આર્ષના નિયામક પ્રો. ડૉ. પૂ. શ્રુતિપ્રકાશદાસ સ્વામીએ આપી હતી. ત્યારબાદ રસપ્રદ પ્રશ્નોત્તરી દ્વારા પૂ.અક્ષરવત્સલદાસ સ્વામીએ તર્કબદ્ધ ઉત્તરો આપીને શ્રોતાઓની જીજ્ઞાસા સંતોષી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પ્રો. જયેશભાઈ માંડણકાએ કર્યું હતું.

