Gujarati

લિંબાયત વિસ્તારની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ચાર શાળાઓમાં ધારાસભ્ય સંગીતા બેન પાટીલે ધો.૧ અને બાળવાટિકામાં ૧૧૩ ભુલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો

Written by krishnanewsnetwork

જો બાળકો શિક્ષિત બનશે તો આગામી પેઢી શિક્ષિત બનશે જેથી શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશેઃ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવના બીજો દિવસે લિંબાયતના ધારાસભ્યશ્રીમતી સંગીતાબેન પાટીલે લિંબાયત વિસ્તારની નવાનગરની મરાઠી પ્રા.શા.ક્રમાંક ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૦માં ધો-૧ માં અને બાલવાટિકા- આંગણવાડીમાં ૧૧૩ બાળકોને ઉમંગભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. શાળાની બાળાઓ દ્વારા સુંદર ગીતો પર અભિનયકૃતિઓ રજૂ કરી હતી.
આ અવસરે ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, જો બાળકો શિક્ષિત બનશે તો આગામી પેઢી શિક્ષિત બનશે અને તેના પગલે શિક્ષિત સમાજનું નિર્માણ પણ થશે. કોઇપણ રાજ્ય-દેશનો વિકાસ શિક્ષણ વિના શકય નથી એમ જણાવતા કહ્યું કે, દરેક બાળકોએ ફરજીયાત શિક્ષણ મેળવવું જોઈએ. શિક્ષણની ગુણવત્તા સુધારણા સાથે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા ભાવથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જેના કારણે ડ્રોપ આઉટ રેશીયોમાં ધટાડો થયો છે. બાળક ભણીગણીને આગળ વધે તે માટે શિક્ષકો અને વાલીઓએ જાગૃત બનીને કાર્ય કરવું પડશે. આજના બાળકો આવતીકાલનું ભાવિ છે. શિક્ષકોએ શિક્ષણની સાથે સાથે બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તે માટે કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. શાળામાં ૨૦૦ વિદ્યાર્થીઓના આયોગ્યની તપાસ કરી બાળકોને આરોગ્ય કાર્ડ, શાળાના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરાયું હતું. સાથે સાથે ધારાસભ્યશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી તથા મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓને સ્કૂલ બેગ, રમકડા, ચોકલેટની સાથે શૈક્ષણિક કિટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.
આ અવસરે સ્થાનિક નગર સેવકોશ્રી વિક્રમ પાટીલ,ભૂષણ પાટીલ, કાન્તા બેન,કવિતા બેન અને શિક્ષણ સમિતિ સભ્ય સંજય પાટીલ,આરોગ્ય કર્મચારીઓ, અગ્રણીઓ, વડીલો,મોટી સંખ્યામાં વાલીઓ,ભુલકાઓ ઉપસ્થિત રહીને રંગેચંગે બાળકોને પ્રવેશ અપાવ્યો હતો

About the author

krishnanewsnetwork

Leave a Comment