Article

છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર’’, ૩૭ લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

Written by krishnanewsnetwork

ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી,માહિતી બ્યુરોઃ વલસાડ:
ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનો અનોખો મહિમા રહ્યો છે. પર્યાવરણનું જતન કરવુ એ આપણને ધર્મ સંસ્કારોમાં વારસામાં મળ્યું છે. એટલે જ તો કહેવાય છે કે, ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર’’. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં આજે પણ વૃક્ષોની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે. જે પર્યાવરણના જતન પ્રત્યેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પરંતુ વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણનો પ્રશ્ન પડકારરૂપ બન્યો છે ત્યારે લોકોમાં પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે જાગૃતિ આવે તે માટે દર વર્ષે ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં થાય છે. ત્યારે વાત કરીએ લીલીછમ વનરાજીઓથી આચ્છાદિત વલસાડ જિલ્લાની તો ચાલુ વર્ષ ૨૦૨૩- ૨૪માં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ૯૪૩ હેકટર જમીન વિસ્તારમાં ૭,૭૨,૩૩૩ વૃક્ષો રોપાશે જ્યારે નર્સરી દ્વારા ૩૦.૧૬ લાખ રોપાનું વિતરણ જનભાગીદારી દ્વારા કરાશે. આમ જિલ્લામાં કુલ ૩૭,૮૮,૩૩૩ રોપા રોપવામાં આવશે. જેના થકી હરિયાળો એવો આપણો વલસાડ જિલ્લો લીલીછમ ચાદરથી વધુ શોભી ઉઠશે.
જન માનસમાં પર્યાવરણ અંગે જાગૃત્તા વધે અને લોકો પર્યાવરણ સુરક્ષાના કાર્યમાં સહભાગી બને તેવા શુભ આશય સાથે વર્ષ ૧૯૭૨થી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વભરમાં તા. ૫ જૂને “પર્યાવરણ દિન”ની ઉજવણી થાય છે. વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે. પર્યાવરણની જાળવણીથી જ ભરપૂર વરસાદ, શુધ્ધ હવા, પૂર નિયંત્રણ, ભૂગર્ભ જળ સ્તરની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને ઘાસચારો, રોજગારી અને ઉદ્યોગોને લાકડાનો પૂરતો જથ્થો સહિતની વસ્તુ પ્રાકૃતિક તત્વોની જાળવણી દ્વારા જ મળી શકે છે. ત્યારે પર્યાવરણમાં થતા હવા, જળ, જમીન અને અવાજના પ્રદૂષણને અટકાવી પર્યાવરણને નુકસાન થતુ અટકાવવુ એ આપણી નૈતિક ફરજ છે. પર્યાવરણમાં વૃક્ષો અનિવાર્ય છે. જે હવામાંથી કાર્બન ડાયોક્સાઈડ શોષી લેવાનું કામ કરે છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેન્ટ ચેન્જ એ વૈશ્વિક કક્ષાની પર્યાવરણીય સમસ્યાઓ છે. જેની અસર કોઈ એક સ્થળ પૂરતી નથી પરંતુ બહુધા વિસ્તારમાં લાંબા ગાળા સુધી હોય છે. વર્તમાન સમયમાં વિકાસ અને સુખ સમુધ્ધિના પાયામાં પ્રાકૃતિક સંપદાનું મહત્વનું યોગદાન છે. જો સતત પ્રગતિના પંથે અગ્રેસર રહેવુ હોય તો પર્યાવરણની જાળવણી અને તેનુ રક્ષણ કરવુ પણ અગત્યનું છે.
જેથી વલસાડ જિલ્લાને હર્યો ભર્યો રાખવા માટે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષ આચ્છાદિત હરિયાળુ કવચ ઉભુ કરી કાર્બન સંયમ સાથે ટકાઉ વિકાસનો આધાર ઉભો કરવામાં આવે છે. આ સાથે ખેડૂતો, લોકો અને વિવિધ સંસ્થાઓને વનીકરણની પ્રવૃતિ માટે સંગઠિત કરી સરકારની યોજનાના લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વન પેદાશો જેવી કે, ઈમારતી લાકડુ, જલાઉ લાકડુ, ઘાસચારો, ફળો અને અન્ય ગૌણ વન પેદાશોમાં વધારો કરવાથી લોકોને તેમની જરૂરીયાતની વસ્તુ સરળતાથી મળી રહે છે. ગ્રામીણ લોકો માટે રોજગારની તકો ઉભી કરવી અને ફાજલ પડેલી સરકારી, સહકારી, સંસ્થાકીય તેમજ ખાનગી જમીન પર વૃક્ષારોપણ વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પટ્ટી વાવેતર (સ્ટ્રીપ પ્લાન્ટેશન) યોજનામાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, એક્ષપ્રેસ વે, રેલવે સાઈડ, નહેર સાઈડ બંને બાજુ પ્રતિ હેકટર ૮૦૦ રોપા જેવા કે, સુશોભિત ફૂલ ધરાવતા વૃક્ષો, ઘટાદાર વૃક્ષો અને ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. જે વૃક્ષો પરિપક્વ થયા બાદ કાપણીનો ખર્ચ બાદ કરી ચોખ્ખી ઉપજની ૫૦ ટકા રકમ સંલગ્ન તાલુકા પંચાયતને સ્થાનિક વિકાસના કામ માટે ફાળવાય છે. ગ્રામ વાટિકા (પિયત) જી-૧ યોજના હેઠળ ગૌચર, સરકારી ખરાબો અને સિંચાઈની સગવડ હોય તેવા સ્થળે પ્રતિ હેકટર ૧૬૦૦ રોપા જેવા કે, નીલગીરી, અરડુસા, દેશી બાવળ, ખાટી આમલી, આંબો, રાયણ, કોઠી, જાંબુ અને આમળા જેવા વૃક્ષોનું વાવેતર કરી પરિપક્વ થયે કાપણીનો ખર્ચ બાદ કરી ૭૫ ટકા રકમ ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે ફાળવાય છે અને બાકીની ૨૫ ટકા રકમ પુનઃ વનીકરણ માટે ફાળવાય છે.
ફાર્મ ફોરેસ્ટ્રી (વૃક્ષ ખેતી) યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં પ્રતિ હેકટર ૧૦૦૦ રોપામાં કલોનલ નીલગીરી રોપાય છે. ખેડૂત લાભાર્થીને તબક્કાવાર કુલ રૂ. ૨૦,૦૦૦ સહાય પેટે આપવામાં આવે છે. ચાર વર્ષ પછી લાભાર્થી તેની અનૂકુળતાએ વૃક્ષોની કાપણી કરી શકે છે. ખાતાકીય નર્સરી હેઠળ નિઃશૂલ્ક રોપા વિતરણ કરવામાં આવે છે. આ સિવાય હરિયાળુ ગ્રામ યોજના હેઠળ જમીન ધારકની જગ્યા પર પ્રતિ હેક્ટર ૪૦૦ રોપાનું સરકારી ખર્ચે વાવેતર કરવામાં આવે છે. આ સિવાય આર.ડી.એફ.એલ (કસ વગરની જમીન પર ખેત વનીકરણ) યોજના હેઠળ નાના સીમાંત ખેડૂતોની બિનખેતી લાયક જમીન પર વન વિભાગ દ્વારા વાવેતર કરી ત્યાર બાદ માવજતની જવાબદારી જે તે ખેડૂતની હોય છે. આ મોડલ હેઠળ પ્રતિ હેકટર ૧૦૦૦ રોપા ઉછેરવામાં આવે છે. જેમાં તબક્કાવાર કુલ રૂ. ૧૬,૦૦૦ની સહાય મળે છે.
આમ, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષોના જતન માટે લોકોને તેમજ ખેડૂતોને સાથે જોડી પર્યાવરણનું જતન કરવામાં આવી રહ્યું છે. પરંતુ વર્તમાન સમયમાં પર્યાવરણનો પ્રશ્ન સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક બન્યો છે ત્યારે આપણે સૌ સાથે મળી પર્યાવરણનું શ્રેષ્ઠ જતન- સંવર્ધન કરી ભાવિ પેઢીને સ્વચ્છ હવા, પાણી, હરિયાળી અને સમૃધ્ધ વારસો આપીએ એ સંકલ્પ આજના વિશ્વ પર્યાવરણ દિને પ્રાસંગિક લેખાશે.
*બોક્ષ મેટર*
*એગ્રો ફોરેસ્ટ્રી યોજનામાં ૩૦ ટકા મહિલા ખેડૂતો માટે અનામત*
પર્યાવરણનું જતન કરવામાં ખેડૂતો હંમેશા અગ્રેસર રહ્યા હોવાથી રાજ્ય સરકાર દ્વારા એગ્રો ફોરેસ્ટ્રી યોજના શરૂ કરવામાં આવી છે. જે મુજબ ઓછી, મધ્યમ અને વધુ ગીચતાવાળા વિસ્તારોને આવરી લઈ વાવેતર ૪ મોડલમાં વહેંચી દેવામાં આવે છે. (૧) ખેતરના પાળા પર પ્રતિ હેકટર ૧૦૦ રોપાનું વાવેતર કરવામાં આવે છે. (૨) એગ્રો ફોરેસ્ટ્રી ઓછી ગીચતામાં પ્રતિ હેકટરે રૂ. ૪૦૦ રોપા (૩) એગ્રો ફોરેસ્ટ્રી વધુ ગીચતા (હાઈડેન્સીટી પ્લાન્ટેશન (એચડીપી-૧) પ્રતિ હેકટર ૧૦૦૦ અને (૪) એગ્રો ફોરેસ્ટ્રી વધુ ગીચતા (હાઈડેન્સીટી પ્લાન્ટેશન (એચડીપી-૨) પ્રતિ હેકટર ૧૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતને વળતર પેટે એક રોપા દીઠ રૂ. ૧૪ આપવામાં આવે છે. વૃક્ષ સંપદા પર ખેડૂતનો સંપૂર્ણ માલિકી હક્ક હોવાથી પરિપકવ થયા બાદ તેનું વેચાણ પણ કરી શકે છે. યોજનાની ગાઈડલાઈન મુજબ ૧૦૦ ટકા લક્ષ્યાંકના ૩૦ ટકા લાભ મહિલાઓને અને ૭૦ ટકા લાભ પુરૂષ ખેડૂતને આપવામાં આવશે. ૮ ટકા લાભ એસસી ખેડૂતોને અને ૧૬ ટકા લાભ એસટી ખેડૂતોને આપવામાં આવશે. આ યોજના હેઠળ કલોનલ શરૂ, કલોનલ મલબારી, લીમડો, અરડુસો, બંગાળી બાવળ, સાગ, ખેર, દેશી બાવળ, લીમડો, વાંસ, પેન્ડુલા, વડ, પીપળો, ઉમરો, દેશી આંબા, કાજુ, જાંબુ, ખાટી આંબલી, જામફળ, દાડમ, ખજૂર, નાળિયેરી, રાયણ, સીતાફળ, બોરડી, સરગવો, આમળા, હરડે, બહેડા, બેલ, અર્જુન સાદડ, સેવન, આસોપાલવ, સતાવરી, ડોડી, ગળો, લીંડીપીપર, એલોવીરા અને ચણોઠી વગેરે રોપી શકાય છે.

About the author

krishnanewsnetwork

Leave a Comment