માતા કે પિતા વિનાના બાળકોને નોટબુક, દફ્તર તેમજ અન્ય શૈક્ષણિક સાધનો મળી રહે એ માટે વલસાડ તાલુકાના સરોધી ગામમાં ભીમાશંકર મહાદેવ મંદિરે સરોધી કા મહારાજા યુવા ગૃપ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સરોધી, સરોણ, કુંડી, ફણસવાડા, મુળી, દાંતી, ડુંગરી અને માલવણ સહિતના ગામોના ધોરણ ૧ થી ૧૨ સુધીના કુલ ૧૧૧ બાળકોને વિનામુલ્યે શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. આ વર્ષે કુલ ૫૦૦ બાળકોને આ કિટ આપવામાં આવનાર છે. ગૃપના સંયોજક સ્નેહલભાઇએ જણાવ્યું કે, જન્મદિન, લગ્ન એનિવર્સરી કે સ્વજનોની પુણ્યતિથિ નિમિત્તે યથાશક્તિ દાન આપવામાં આવે અને એ દાન ભેગુ કરી શિક્ષણ એ જ શ્રેષ્ઠ કલ્યાણ અર્થે વાપરવામાં આવે છે. હમણાં જ નિઃસહાય વૃધ્ધ વિધવા માતાઓ માટે કુસુમ બહેન યોજના પણ આ જ ગૃપ દ્વારા ચાલુ કરવામાં આવી છે, જેમાં દર મહિને અનાજ કિટ આપવામાં આવે છે.

