Gujarati

૧૫ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા મોરા ભાગળના જતિનભાઈ લાલવાલાને મળ્યું સપનાનું ઘર

Written by krishnanewsnetwork

પોતાની માલિકીના ઘરનું સ્વપ્ન કોણ નથી જોતું? અને જો આ સપનુ પૂરૂ થઈ જાય તો તેનાથી વધુ ખુશીની વાત બીજી કોઈ ન હોય. ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ છત્રછાયા પૂરી પાડી છે. કાળઝાળ મોંઘવારીમાં શહેરી વિસ્તારોમાં રહેતા લોકો બે છેડા ભેગા કરે ત્યારે માંડ ઘર ખર્ચ નીકળે છે. તેમાય જો પરિવારના સભ્યને મોટી બિમારી આવી પડે તો મસમોટા ખર્ચમાં બધી બચત વપરાઈ જાય. તેવા સમયે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પાલ જેવા સમૃદ્ધ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નિર્મિત સુમન મુદ્રા આવાસમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વન બીએચકેનો ફ્લેટ મળવાથી ૧૫ વર્ષથી ભાડાના મકાનમાં રહેતા જતિનભાઈ લાલવાલાનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે.
૪૨ વર્ષીય જતિનભાઈ લાલવાલા બ્રોકરેજનું કામ કરી બે બાળકો અને પત્ની પ્રભાબેન સાથેના નાનકડા કુટુંબનું પાલનપોષણ કરે છે. તેઓ ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, અમે છેલ્લાં ૧૫ વર્ષથી મોરાભાગળ વિસ્તારની શ્રીજીનગર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહીએ છીએ. ભાડે રહેતા હોઈએ એટલે મકાનમાલિકના ઘરે આવવા-જવા, પાણીના વપરાશ, પાર્કિંગ, ડિપોઝીટના પોતાના નિયમો, અને મહિનાની છેલ્લી તારીખે ભાડુ દેવામાં મોડું થાય તો ટેન્શન થઈ જાય, અને ક્યારે ઘર ખાલી કરવાનો કહેણ આવે એનું કંઈ નક્કી નહિ. એક દિવસે સમાચાર પત્રમાં જાહેરાત વાંચી કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ બેંકમાં મળે છે. યોજનાની જાણકારી મેળવી ત્યારે વિશ્વાસ ન્હોતો બેસતો કે, અમારા જેવા ગરીબ પરિવારોને આટલા નજીવા દરે સારા વિસ્તારમાં ઘર મળતું હશે??. પણ બેંકમાંથી ફોર્મ મેળવી જરૂરી ડોકયુમેન્ટ સાથે ફોર્મ જમા કર્યું. નિયત તારીખે પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયો અને મકાન માટે મારી પસંદગી થઈ ત્યારે અમારી ખુશીનો કોઈ પાર ન રહ્યો.
અમે જે ભાડાની રકમ ચૂકવતા તે નાણામાં હવે દર મહિને લોનના હપ્તા ભરીશું. અમારા માટે ભાડાના ઘરમાંથી મુક્તિ મળી એ જ સૌથી આનંદદાયક ક્ષણ છે. સુરત જેવા મોંઘા અને પૂરઝડપે વિકસતા અને શહેરમાં પી.એમ. આવાસ યોજનામાં માત્ર રૂ.૫.૫૦ લાખમાં ઘરના માલિક બન્યા છીએ. પાલ જેવા પોશ વિસ્તારમાં રૂ.૩૫ લાખની બજાર કિંમતે મળતો ફ્લેટ સરકારની સહાયથી અમને નજીવા દરે ઉપલબ્ધ થયો છે. દાયકાઓ બાદ મારા માતા-પિતાએ સેવેલ શમણું સાકાર થયું છે એમ જતિનભાઈ રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા કહે છે.
-૦૦-

About the author

krishnanewsnetwork

Leave a Comment