સુરતના પાલમાં પી.એમ.આવાસ યોજના હેઠળ રૂ.૨૮૫ કરોડના ખર્ચે સાકારિત ૩૨૬૫ આવાસોનું વડાપ્રધાનશ્રીના હસ્તે ‘ઈ-લોકાર્પણ’
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘અમૃત્ત આવાસોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)ના લાભાર્થીઓ માટે રૂ.૧૯૪૬ કરોડના ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવ્યા હતા, જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા હસ્તકના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અઠવા, રાંદેર અને ઉધના ઝોન મળી રૂ.૨૮૫ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા ૩,૨૬૫ આવાસોના લોકાર્પણનો કાર્યક્રમ સુમન મુદ્રા, ગૌરવપથ, પાલ ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાનશ્રીના હસ્તે અઠવા ઝોનના ૪૫૦, રાંદેર ઝોનના ૨૪૮૩ તેમજ ઉધના ઝોનના ૩૩૨ જેટલા અત્યાધુનિક સુવિધાયુક્ત કુલ ૩૨૬૫ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રીએ વીડિયો લિંક દ્વારા સુરતના આવાસ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો
આ પ્રસંગે આવાસ મેળવનાર લાભાર્થીઓને મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ અભિનંદન સહ નવા આવાસો પરિવારની સુખ શાંતિ માટે ફળદાયી નીવડે એવી શુભકામનાઓ પણ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ઘરના ઘરનું સ્વપ્ન સૌ કોઈની પ્રાથમિકતા હોય છે, જેમાં સ્ત્રીથી વધારે ઘરનું મહત્વ કોઈ સમજી ન શકે. સ્ત્રી લાભાર્થીઓના નામે આવાસો ફાળવવાના કારણે મહિલાઓ આત્મસન્માનની લાગણી અનુભવી રહી છે.
ધારાસભ્યશ્રી વિનોદભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે, ગરીબ, વંચિત, છેવાડાના માનવીની અપેક્ષાઓને પૂર્ણ કરવા વડાપ્રધાનશ્રીના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે. વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો બનાવતા હવે આમ નાગરિકો લાખોની સંખ્યામાં ફોર્મ ભરી રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આવાસોની લોકપ્રિયતાની આ સાબિતી છે.
ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે,તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પોતીકું ઘર મળે તે માટે સંકલ્પ કર્યો અને અવિરતપણે આવાસીય યોજનાને ગતિ આપી તેના પરિણામે આજે રાજ્યમાં લાખો લોકોને પોતાના ઘરનું ઘર મળ્યું છે.
પ્રારંભે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે સુરત મનપાની વિકાસ અભિમુખ કામગીરીની રૂપરેખા આપતા જણાવ્યું કે, ઉત્તરોઉત્તર વિકાસ સાધી રહેલુ સુરત અવિરત ગતિએ પ્રગતિના નવા સોપાનો સર કરી રહ્યુ છે. આવાસોનું બાંધકામ તેમજ ટેનામેન્ટ રિડેવલોપમેન્ટનાં પ્રોજેક્ટોને પગલે સુરતમાં સ્લમ વિસ્તાર સતત ઘટી રહ્યો છે. સુરતમાં અગાઉ સ્લમ વિસ્તારનું પ્રમાણ ૨૦.૮૭ ટકા હતું, જે આજે ઘટીને માત્ર ૬.૦૯ ટકા રહ્યું છે, જે સુરતમાં સ્લમ વિસ્તારના લોકોને મળેલી આવાસીય યોજનાઓના લાભ મળ્યો હોવાની પ્રતીતિ કરાવે છે.
ઉપસ્થિત સૌએ મહાત્મા મંદિર-ગાંધીનગરના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
નોંધનીય છે કે, શહેરના વિવિધ વિસ્તાર ખાતે નવનિર્મિત આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચરલ ડિઝાઇન મુજબ તૈયાર થયેલા છે. તેમજ આ તમામ આવાસો વોટર સપ્લાય તથા ડ્રેનેજ નેટવર્ક, સી.સી.રોડ અને ઈન્ટરલોકીંગ પેવર બ્લોક, જનરેટર સેટ, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી (પમ્પ સહિત), લેન્ડ સ્કેપીંગ અને ગાર્ડનિંગ (COP ની જગ્યામાં), ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર(OWC)જેવી બાહ્ય સુવિધાઓથી સજ્જ છે.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી પ્રવીણભાઈ ઘોઘારી, મનુભાઈ પટેલ, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, પાલિકાના અધિકારીઓ, અગ્રણીઓ, મોટી સંખ્યામાં PM આવાસના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

