રાજ્યમા રખડતાં ઢોર અને શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ શહેરમાં રખડતાં ઢોર અને શ્વાન દ્વારા લોકો પર હુમલા કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. હાઈકોર્ટે પણ રખડતાં ઢોરની સમસ્યાને લઈ સરકારની ઝાટકણી કાઢી છે અને યોગ્ય પગલાં લેવા માટે કડક આદેશ કર્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ રખડતાં ઢોરની સમસ્યાને ડામવા માટે કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ, તેમ છતાં રાજ્યમાં આ સમસ્યા યથાવત છે. તાજેતરમાં અમદાવાદમાં રખડતાં ઢોરના હુમલાથી એક યુવાનના મોતના સમાચાર સામે આવ્યા છે.
પાંચ મહિનાથી યુવાન પથારીવશ હતો
માહિતી મુજબ, અમદાવાદમાં પાંચ મહિના પહેલા સૈજપુર ટાવર પાસે એક યુવાન એક્ટિવા લઈને જઈ રહ્યો હતો. ત્યારે રસ્તા પર અચનાક ગાય વચ્ચે આવી હતી, જેથી યુવાને એક્ટિવા પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું અને તે નીચે પટકાયો હતો. ત્યાર બાદ યુવાનને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. પાંચ મહિનાથી યુવાન પથારીવશ હતો. ત્યારે હવે તેના મોતના સમાચાર આવ્યા છે. યુવાનની ઓળખ જી વોર્ડ ખાતે રહેતા દીપકભાઈ તરીકે થઈ હતી. યુવાનના મોત બાદ પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પાટણ અને ભાવનગરમાં પણ રખડતાં ઢોરના કારણે યુવાનના મોત
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પાટણ અને ભાવનગરમાં પણ રખડતાં ઢોરના કારણે અકસ્માત સર્જાતા આશાસ્પદ 2 યુવાનોના મોત થયા હતા. 26 ફેબ્રુઆરીના રોજ પાટણ જિલ્લાના પંચાસર હાઇવે પર રખડતા ઢોર વચ્ચે આવી જતા બાઈક પર જતા યુવાનનો અકસ્માત સર્જાયો હતો, જેના કારણે યુવાનનું બાઈક સ્લીપ થઇ ગયું ગતું અને 26 વર્ષીય ખેડૂત અજિત ગોહિલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ભાવનગરની વાત કરીએ તો લગભગ 1 મહિના પહેલા ભાવનગરનાં ત્રાપજ બંગલા પાસે રહેતા રિયાઝ કાલાવતર કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે એક્સપ્રેસ વે પર અચાનક આંખલો વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિયાઝ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ લઈ જાવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

