ભારતીય ટીમના રન મશીન અને વિશ્વના આધુનિક ક્રિકેટ માસ્ટર જેવા નામોથી પ્રખ્યાત વિરાટ કોહલીનું કદ અત્યારે ઘણું ઊંચું થઈ ગયું છે. તેની દરેક સિદ્ધિઓ કોઈને કોઈ રેકોર્ડ બનાવે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અમદાવાદ ટેસ્ટ બાદ પણ આવું જ જોવા મળ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ 186 રનની શાનદાર ઇનિંગ રમીને ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય બાદ સદી ફટકારી હતી. તેની શાનદાર ઇનિંગ્સ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળતાં જ વિરાટ કોહલીના નામે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. ખાસ વાત એ છે કે તેના પહેલા દુનિયાનો કોઈ ક્રિકેટર પણ આવું કરી શક્યો નથી.
વિરાટ કોહલીને ટેસ્ટ ક્રિકેટમાં 10મી વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સિવાય તેણે વનડેમાં 38 વખત અને ટી20 ઈન્ટરનેશનલમાં 15 વખત આ એવોર્ડ જીત્યો છે. આ સાથે તેણે વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી ત્રણેય ફોર્મેટમાં 10 કે તેથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ જીતનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. તેના પહેલા કોઈ ખેલાડી આવું કરી શક્યો નથી. મતલબ વિરાટે એ કરી બતાવ્યું જે દુનિયાનો કોઈ દિગ્ગજ ખેલાડી પણ નથી કરી શક્યો. આ જ કારણ છે કે તેને આજના સમયમાં આધુનિક ક્રિકેટ માસ્ટર કહેવામાં આવે છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ
જેક કાલિસ – 23
મુથૈયા મુરલીધરન – 19
વસીમ અકરમ – 17
શેન વોર્ન – 17
કુમાર સંગાકારા – 16
ODI ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ
સચિન તેંડુલકર – 62
સનથ જયસૂર્યા – 48
વિરાટ કોહલી – 38
જેક કાલિસ – 32
રિકી પોન્ટિંગ – 32
T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ
વિરાટ કોહલી – 15
મોહમ્મદ નબી – 13
રોહિત શર્મા – 12
સૂર્યકુમાર યાદવ – 11
મોહમ્મદ રિઝવાન – 11
આંકડાઓ જોઈને તમે જાતે જ અંદાજ લગાવી શકો છો કે વિરાટ કોહલીએ જે કર્યું છે, તે ઉપરની યાદીમાં સામેલ ઘણા દિગ્ગજ ક્રિકેટરો પણ નથી કરી શક્યા. આ સાથે વિરાટે આ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે તેની 8મી સદી પણ ફટકારી હતી. સચિન તેંડુલકર કાંગારૂ ટીમ સામે ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી ફટકારવાના મામલે ટોચ પર છે. વિરાટ ત્યાં બીજા નંબર પર આવે છે. આ મામલામાં ઈંગ્લેન્ડનો જો રૂટ કુલ 12 સદી સાથે ટોચ પર છે.

